Tuesday, May 19, 2026
HomeGujaratમોરબીના નંદીઘરમાં અવ્યવસ્થા અને ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો

મોરબીના નંદીઘરમાં અવ્યવસ્થા અને ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો

“ઘાસ-ચારા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ, અનેક નંદીઓના મોત બાદ પણ યોગ્ય કાર્યવાહી નહીં”: દેવેન્દ્રસિંહ જાડેજા.

- Advertisement -
- Advertisement -

મોરબી સ્થિત નંદીઘરમાં નંદીઓ માટે પૂરતા ઘાસચારા, પાણી અને યોગ્ય સંભાળના અભાવ અંગે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસના આગેવાનો સાથે નંદીઘરની મુલાકાત લઈ અનેક નંદીઓ મૃત હાલતમાં પડેલા હોવાનો દાવો કર્યો હતો. સાથે જ નંદીઘરમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી ચાલતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

મોરબીના નંદીઘરમાં નંદીઓ માટેની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના મુદ્દે દેવેન્દ્રસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓ કોંગ્રેસના આગેવાનો સાથે નંદીઘરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં નવથી વધુ નંદીઓ મૃત હાલતમાં જોવા મળ્યા હોવાનું જણાવ્યું હતું. આ નંદીઓના મોત ઘણા દિવસો અગાઉ થયા હોવાની શક્યતા છે અને ૧૨મી તારીખની રાત્રે મોત થયા હોવા છતાં મૃતદેહોને દફનાવવામાં આવ્યા નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે નંદીઘરમાં જવાબદાર અધિકારી હાજર રહેતા નથી અને સંચાલન કરતી સંસ્થા દ્વારા માનસિક અસ્થિર વ્યક્તિઓને કામગીરી માટે રાખવામાં આવ્યા છે, જે ગંભીર બેદરકારી ગણાય.

તેમણે જણાવ્યું હતું કે હાલમાં આશરે ૯૦૦ જેટલા નંદીઓને નંદીઘરમાં રાખવામાં આવ્યા છે. નિયમ મુજબ પ્રતિ નંદી દીઠ દરરોજ ૧૫ કિલો ઘાસચારો આપવાનો હોય છે, જેના હિસાબે રોજ મોટી માત્રામાં ચારો જરૂરી બને છે, પરંતુ સ્થળ પર એટલો જથ્થો ઉપલબ્ધ ન હોવાનું જોવા મળ્યું હતું. ચોમાસાની સિઝન નજીક આવતા નંદીઓની હાલત વધુ ખરાબ બનવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી. નંદીઓ માટે પાણીની વ્યવસ્થા પણ અપૂરતી હોવાનું જણાવી દેવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે ધોમધખતા તાપમાં પૂરતું પાણી અને ખોરાક ન મળતા અબોલ પશુઓ ભૂખ્યા-તરસ્યા મરી રહ્યા છે. તેમણે મોરબીના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને નંદીઘરની મુલાકાત લઈ વાસ્તવિક પરિસ્થિતિ લોકો સમક્ષ લાવવાની અને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે સેવાભાવી સંસ્થાઓ અને ગૌસેવકોને આગળ આવી નંદીઓના બચાવ માટે મદદ કરવાની અપીલ કરી હતી. જો આગામી દિવસોમાં નંદીઓ માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અબોલ પશુઓ પર થતી ક્રૂરતા ચલાવવામાં નહિ આવે અને “અમે તમામ નંદીઓને ખુલ્લામાં છુટા મૂકી દઈશું” તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!