૩૦%, ૩૫% અને ૧૨૦% સુધીનું વ્યાજ વસૂલ્યાનો આક્ષેપ: ત્રણ વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના લેબર કોન્ટ્રાક્ટરે ત્રણ વ્યાજખોરો સામે પઠાણી ઉઘરાણી, ધાક-ધમકી અને ઉંચા વ્યાજ વસૂલ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ ૩ લાખના ૩૦ લાખ વ્યાજ ચૂકવ્યુ છતાં પણ આરોપીઓ વધુ રકમની માંગણી કરી ત્રાસ આપતા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય વ્યાજખોર સામે બીએનએસ તથા ગુજરાત નાણા ધીરધાર બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના પ્રવિણભાઈ હરખાભાઈ ઉકેડીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી અજયભાઈ રમેશભાઈ અબાસણીયા રહે. રાતાવીરડા તા.વાંકાનેર, બીજલભાઈ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરા રહે. લકડધાર તા.વાંકાનેર તથા હિતેશભાઈ મગનભાઈ પટેલ એમ ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી કે, મજૂરોના પગાર અને ભાઈની સારવાર માટે વર્ષ ૨૦૨૪ દરમિયાન ફરિયાદીએ અલગ-અલગ સમયે વ્યાજે નાણા લીધા હતા. જેમાં આરોપી અજયભાઈ રમેશભાઈ અબાસણીયાએ રૂ. ૩ લાખ ઉપર ૩૦ ટકા, ૩૫ ટકા અને બાદમાં ૧૨૦ ટકા સુધીનું વ્યાજ વસૂલ્યું હતું. ફરિયાદી દ્વારા આશરે રૂ.૩૦ લાખ જેટલી રકમ વ્યાજ અને મુદ્દલ પેટે ચૂકવ્યા છતાં વધુ રૂ.૩ લાખની માંગણી કરી છરી બતાવી ધમકી આપી બળજબરીથી રૂ. ૫ લાખ પડાવી લીધા હતા, જ્યારે બીજા આરોપી બીજલભાઈ ઉર્ફે ભોજાભાઈ ગીંગોરાએ રૂ.૧.૫૦ લાખ ઉપર ઉંચા વ્યાજે નાણા આપી આશરે રૂ.૫ લાખ વસૂલ્યા હોવા છતાં વધુ રકમની માંગણી કરી ફરિયાદીના નામે મોટરસાયકલ લેવડાવી બળજબરીથી આ મોટરસાયકલ પડાવી લીધું હતું.
આ ઉપરાંત જ્યારે ત્રીજા વ્યાજખોર આરોપી હિતેશભાઈ પટેલે ફરિયાદીના પત્નીના ઘરેણા છોડાવવા માટે નાણા આપ્યા બાદ આશરે સાડા ત્રણ તોલાના દાગીના લઈ વધુ વ્યાજ સાથે રૂ. ૮ લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






