ધારીયાથી હુમલો કરી મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે એક યુવક ઉપર દંપતીએ હુમલો કરી મારમારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. અગાઉ આરોપીના કુટુંબી ભાઈઓના જામીન કરાવ્યા અંગેનો ખાર રાખી હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે હળવદ પોલીસે આરોપી પતિ-પત્ની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના જુના વેગડવાવ ગામે રહેતા કલ્પેશભાઈ ઉર્ફે ભાણો જેરામભાઈ નગવાડીયા ઉવ.૩૧ એ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજે તેઓ મોટરસાયકલ પર પોતાની ખારી વાડી તરફ જતા હતા ત્યારે આરોપી ભરતભાઈ ઉર્ફે સીસો ચતુરભાઈ સુરેલા રહે. જુના વેગડવાવ તા.હળવદ વાળાએ તેમની વાડી પાસે રોક્યા હતા અને હાથમાં ધારીયું લઈને ગાળો બોલી પીઠના ભાગે હુમલો કર્યો હતો. ત્યારબાદ આરોપી ભરતભાઈના પત્ની આરોપી હંસાબેન ભરતભાઈ સુરેલાએ પણ ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ફરિયાદીને પીઠ અને હાથના આંગળા ઉપર ઇજા પહોંચી હતી. હાલ હળવદ પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.






