મોરબી: ચેક રિટર્નના બે અલગ-અલગ ફોજદારી કેસોમાં મોરબી કોર્ટે મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદા આપતા ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ કર્મચારી રત્નવીર જીવરામ શુકલને બંને કેસમાં બે-બે વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ ચેકની રકમની બમણી જેટલો દંડ અને વાર્ષિક 9 ટકા વ્યાજ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
કેસની વિગતો મુજબ મોરબી સ્થિત ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝની અમદાવાદ ઓફિસમાં નોકરી કરતા રત્નવીર જીવરામ શુકલે પેઢીમાં આવેલી ઉઘરાણીની રકમની ઉચાપત કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો હતો. આ બાબતની જાણ પેઢીના ભાગીદારોને થતા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાદમાં આરોપીએ પેઢીને ચૂકવવાની બાકી રકમ પેટે બે અલગ-અલગ ચેક આપ્યા હતા અને ચેક રજૂ કરવામાં આવશે ત્યારે રકમ ચૂકવાઈ જશે તેવી ખાતરી પણ આપી હતી. જોકે પેઢી દ્વારા બંને ચેક બેંકમાં રજૂ કરતાં તે અનાદરિત થઈ પરત ફર્યા હતા. ત્યારબાદ કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં આરોપીએ બાકી રકમ ચૂકવી ન હોવાથી પેઢીના અધિકૃત પ્રતિનિધિ નગીનભાઈ વલ્લભદાસ ભોજાણી દ્વારા ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ-138 હેઠળ મોરબી કોર્ટમાં બે અલગ-અલગ ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.
પ્રથમ ફરિયાદ ફોજદારી કેસ નંબર 897/2020 તરીકે મોરબીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી હતી. સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે રજૂ કરેલા પુરાવા, દસ્તાવેજો અને વકીલ ચિરાગ કારીઆ દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં રાખી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.જે. ગઢવીએ તા. 30 ઓક્ટોબર, 2025ના રોજ આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. ઉપરાંત રૂ.6,33,251ની ચેક રકમની બમણી એટલે કે રૂ.12,66,502નો દંડ તથા ફરિયાદ દાખલ થયાની તારીખથી વાર્ષિક 9 ટકા વ્યાજ ચૂકવવાનો હુકમ કર્યો હતો.
આ ઉપરાંત અન્ય ફોજદારી કેસ નંબર 903/2020ની સુનાવણી મોરબીની સેકન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી હતી. આ કેસમાં પણ ફરિયાદી પક્ષના પુરાવા અને દલીલોને આધારે સેકન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એ. મેમણે તા. 6 જૂન, 2026ના રોજ આરોપી રત્નવીર જીવરામ શુકલને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. સાથે જ રૂ.6 લાખની ચેક રકમની બમણી એટલે કે રૂ.12 લાખનો દંડ અને ફરિયાદ દાખલ થયાની તારીખથી વાર્ષિક 9 ટકા વ્યાજ ચૂકવવાનો હુકમ કર્યો હતો.
આ રીતે બંને કેસોમાં આરોપીને કુલ ચાર વર્ષની સજા, રૂ.24.66 લાખથી વધુનો દંડ તેમજ ચેકની રકમ પર વ્યાજ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. મોરબી કોર્ટના આ ચુકાદાને ચેક રિટર્ન અને આર્થિક વિશ્વાસઘાત સંબંધિત કેસોમાં મહત્વપૂર્ણ અને કડક સંદેશ આપતો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. આ બંને કેસોમાં ફરિયાદી પક્ષ તરફથી વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ, રવી કે. કારીઆ, દયારામ એલ. ડાભી, અતુલ સી. ડાભી તથા મનીષ કે. ભોજાણી રોકાયેલા હતા.






