૧૬ લાખના બદલે ૧.૧૦ કરોડ અને ૧૩ લાખના ૩૫ લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી યથાવત: જાનથી મારી નાખવાની ધમકી અને વર્ના કાર પડાવી લીધી.
ટંકારાના ઓટાળા ગામના એક ખેડૂત યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ૩૦થી ૪૫ ટકા માસિક વ્યાજે લીધેલી રકમ સામે કરોડો રૂપિયાનું વ્યાજ ચૂકવ્યા છતાં આરોપીઓ વધુ ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા અને આ દરમિયાન ભોગ બનનાર યુવક પાસેથી વર્ના કાર પણ બળજબરીથી પડાવી લઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા તાલુકાના ઓટાળા ગામના ખેડૂત બેચરભાઈ મગનભાઈ ઘોડાસરા ઉવ.૩૦એ મિતાણા ગામના જયદીપ બાબુભાઈ બસીયા અને રાજકોટના રવિભાઈ ઝીલરીયા સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૪માં ધંધા માટે તેમણે આરોપી જયદીપ બસીયા પાસેથી રૂ.૧૭ લાખ વ્યાજે લીધા હતા, જેમાંથી રૂ.૧૩ લાખ ઉપર રોજનું રૂ.૧૩ હજાર અને રૂ.૪ લાખ પર રોજનું રૂ.૬ હજાર વ્યાજ ચૂકવવામાં આવતું હતું. ત્યારબાદ વધુ નાણાંની જરૂર પડતા વર્ષ ૨૦૨૫માં તેમણે આરોપી રવિભાઈ ઝીલરીયા પાસેથી રૂ.૧૩ લાખ વ્યાજે લીધા હતા. ત્યારે અત્યાર સુધીમાં ફરિયાદીએ આરોપી જયદીપ બસીયાને રૂ.૧.૧૦ કરોડ અને આરોપી રવિભાઈ ઝીલરીયાને રૂ.૩૫ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું છે.
આટલી મોટી રકમ ચૂકવ્યા છતાં બંને આરોપીઓ હજુ લાખો રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે અને અવારનવાર ઘરે આવી ગાળો આપી ફરિયાદી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. વધુમાં, આરોપી રવિભાઈ ઝીલરીયાએ ધાકધમકી આપી ફરિયાદીની વર્ના કાર પણ બળજબરીપૂર્વક પડાવી લઈ ગયા હતા. સમગ્ર મામલે ખેડૂત યુવક બેચરભાઈની ફરિયાદને આધારે ટંકારા પોલીસે બન્ને વ્યાજખોર આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






