મોરબી: ટંકારા તાલુકાના સરાયા ગામમાં રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચોરીમાં ગયેલા મુદ્દામાલમાંથી રોકડા રૂપિયા 9,300 અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 14,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે જેની શોધખોળ યથાવત છે.
પોલીસના જણાવ્યા મુજબ, ગત તા. 1 ઓગસ્ટની રાત્રે સાડા દસ વાગ્યાથી 2 ઓગસ્ટના વહેલી સવારે એક વાગ્યા દરમિયાન સરાયા ગામે રહેતા ફરિયાદીના રહેણાંક મકાનમાં તસ્કરો ઘૂસી ગયા હતા. ઘરમાં રહેલા લોખંડના કબાટની તિજોરીમાંથી અંદાજે બે તોલાની સોનાની માળા તથા રોકડા રૂ. 15 હજાર મળી કુલ રૂ. 1.72 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો હતો.
જેની તપાસ દરમિયાન રાજકોટ-મોરબી હાઇવે પર આર્ય સ્કૂલ સામે જબલપુરના પાટિયા પાસે એક શંકાસ્પદ વ્યક્તિ બંધ દુકાન પાસે આંટાફેરા મારતો જોવા મળ્યો હતો. તેની પૂછપરછમાં સંતોષકારક જવાબ ન મળતા પોલીસે વધુ પૂછપરછ કરતાં તેણે સરાયા ગામની ઘરફોડ ચોરીમાં સંડોવણી હોવાની કબૂલાત આપી હતી.
પોલીસે આરોપી કરણભાઈ મનુભાઈ વાછાણી (ઉં.વ. 20), હાલ રહે. દોલતપરા, જુનાગઢ, મૂળ વતન કેશોદની ધરપકડ કરી છે. જ્યારે વિશાલ સોલંકી અને સુનીલભાઈ સોઢા (બંને રહે. જુનાગઢ) હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે.પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તેમજ બાકી મુદ્દામાલ અને અન્ય આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






