ટંકારાના ઘુનડા બાદ મોરબીના વનાળીયામાં પણ અલગ-અલગ છ સ્થળેથી કેબલ ચોરી: અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ.
મોરબી તાલુકાના વનાળીયા ગામની સૈડવા સીમમાં નદીના પટમાં પિયત માટે રાખવામાં આવેલી મોટરોમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા કુલ અંદાજે ૧૪૭ મીટર કોપર કેબલ કાપીને ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ મોરબી તાલુકા પોલીસે ભોગ બંબાર ખેડૂતોની ફરિયાદને આધારે આરોપી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાં વનાળીયા ગામના ૬૦ વર્ષીય ખેડૂત સુમારભાઈ જુસબભાઈ સંધીએ નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા.૧૪ ઓગસ્ટની રાત્રે ૧૦ વાગ્યાથી તા.૧૫ ઓગસ્ટની વહેલી સવારે ૬ વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરોએ સૈડવા સીમમાં નદીના પટમાં પિયત માટે રાખેલી વિવિધ મોટરોના કોપર કેબલ કાપી ચોરી કરી હતી. આ ચોરીમાં સુમારભાઈના આશરે ૩૦ મીટર, દેવજીભાઈ ગામીના ૨૩ મીટર, પરસોતમભાઈ પાડલીયાના ૧૬ મીટર, રામજીભાઈ પાડલીયાના ૧૫ મીટર અને અરવિંદભાઈ ગામીના ૪૫ મીટર કોપર કેબલ ઉપરાંત ઝાહેર વલી પીરની દરગાહ બહાર રાખેલી મોટરનો આશરે ૧૮ મીટર કેબલ મળી કુલ ૧૪૭ મીટર કેબલ કિ.રૂ.૧૦,૨૯૦/-ની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બનાવની જાણ થતાં ખેડૂતો દ્વારા આસપાસના અવાવરૂ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. અન્ય ખેડૂતોની મોટરોના કેબલ પણ ચોરી થયાની વિગતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હક સમગ્ર ચોરીના બનાવ મામલે તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ચોરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨), ૩૨૪(૨), ૫૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






