મોરબીમાં મોટી કેનાલ રોડ પર ઉમીયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જતા રોડ ઉપર પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે મોટરસાયકલ ચલાવતા બાઇક સ્લીપ થતાં ૩૨ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. હાલ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે મૃતક બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરના મોટી કેનાલ રોડ પર ઉમીયા સર્કલથી આશરે ૧૦૦ મીટર આગળ દલવાડી સર્કલ તરફ જતા રોડ પર ગત તા.૧૭/૦૮/૨૦૨૬ની રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં સુનીલભાઈ જગદીશભાઈ સનારીયા ઉવ.૩૨ રહે. ગોકુલ મથુરા સોસાયટી પૃથ્વી એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૨ મોરબી વાળા પોતાનું મોટરસાયકલ નં.જીજે-૦૩-એચજી-૭૬૧૭ પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા હતા ત્યારે બાઇક સ્લીપ થઈ જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા જગદીશભાઈ નરસિંહભાઈ સનારીયાની ફરિયાદના આધારે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે મૃતક બાઈક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા એમવી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.






