મોરબીના જૂના ઘુંટુ રોડ પર પુનમ ઈન્ડસ્ટ્રીઝ નજીક પૂરઝડપે અને બેદરકારીથી આવતી આઈ-૨૦ કારે ઈકો કારને સામેથી ટક્કર મારતા મામા-ભાણેજ ઈજાગ્રસ્ત થયા હતા. ભાણેજને હાથ, સાથળ અને ઘૂંટણમાં ફ્રેક્ચર થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મનુભાઈ જીંજુવાડીયા ગત તા.૨૭ સપ્ટેમ્બરની રાત્રે ભાણેજ હીતેશભાઈ ધીરુભાઈ પાટડીયા સાથે ઈકો કાર નં. જીજે-૩૬-એપી-૭૫૯૩માં ઉંચી માંડલથી મોરબી પરત આવી રહ્યા હતા. દરમિયાન જૂના ઘુંટુ રોડ પર પુનમ ઈન્ડસ્ટ્રીઝ નજીક આઈ-૨૦ કાર નં. યુપી-૪૨-બીક્યુ-૦૫૨૯ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી કાર હંકારી ઈકોને સામેથી ટક્કર મારતાં બંનેને ઈજા થઈ હતી. જેમાં હીતેશભાઈને ખભા તથા જમણા પગના સાથળ અને ઘૂંટણના ભાગે ફ્રેક્ચર થતાં સારવાર હેઠળ દાખલ કરાયા, જ્યારે જગદીશભાઈને સામાન્ય મૂંઢ ઈજા તથા છોલછાલ થઈ હતી. બનાવ અંગે ઇકો કાર ચાલક જગદીશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આઈ-૨૦ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






