વાંકાનેર તાલુકા પોલીસે રૂ.૫.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો, દારૂનો જથ્થો મોકલનારની તપાસ શરૂ.
વાંકાનેર તાલુકાના મહીકા ગામ પાસે પોલીસે દેશી દારૂની હેરાફેરી કરતી ક્રેટા કારને ઝડપી પાડી ચાલક રફિક ઉર્ફે રફલો વિકીયાણીની ધરપકડ કરી છે. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ૯૫૦ લીટર દેશી દારૂ, ક્રેટા કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.૫.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળી કે, સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર નંબર જીજે-૦૭-ડીએ-૮૦૩૦માં દેશી દારૂ ભરી વાંકાનેર તરફ આવનાર છે. બાતમીના આધારે પોલીસે મહીકા ગામ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ઉપરોક્ત ક્રેટા કાર ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે કાર રોકવાને બદલે નાસવાનો પ્રયાસ કરતાં પોલીસે પીછો કરી મહીકા ગામના પુલ પાસે કારને કોર્ડન કરી ઝડપી લીધી હતી.
જે બાદ ક્રેટા કારની તલાસી લેતા તેમાંથી ૯૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧,૯૦,૦૦૦/- મળી આવ્યો હતો. આ સાથે પોલીસે કાર ચાલક આરોપી રફિક ઉર્ફે રફલો હબિબભાઈ વિકીયાણી ઉવ.૩૭ રહે. ચંદ્રપુર તા. વાંકાનેર વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. આરોપી પાસેથી દેશી દારૂ ઉપરાંત રૂ.૪ લાખની ક્રેટા કાર અને રૂ.૫ હજારનો વિવો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૫.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે દારૂનો જથ્થો મોકલનાર સહિત અન્ય સંડોવાયેલા ઈસમોની તપાસ હાથ ધરી છે.






