Tuesday, October 27, 2026
HomeGujaratલ્યો બોલો! મોરબીમાં ખાણ-ખનીજ અધિકારીને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી

લ્યો બોલો! મોરબીમાં ખાણ-ખનીજ અધિકારીને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી

સાદુળકા પાસે ગેરકાયદે રેતી ખનન સામેની કાર્યવાહી બાદ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં સરકારી અધિકારીની ગાડી રોકી ધમકી, આરોપી બલભદ્રસિંહ ઉર્ફે બબભા ઝાલા સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી અને ખાણ-ખનીજ અધિકારી જગદીશકુમાર વાઢેરે આરોપી બલભદ્રસિંહ ઉર્ફે બબભા જીવુભા ઝાલા સામે જાહેરમાં બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં સાદુળકા પાસે ગેરકાયદે રેતી ખનન સામેની કાર્યવાહી બાદ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં સરકારી વાહન રોકીને ધમકી આપી હતી. હાલ બી ડિવિઝન પોલીસે જાહેર સેવકની ફરજમાં રુકાવટ, જાહેરમાં ગાળો તથા ધમકી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

મોરબી જીલ્લામાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરતા સરકારી અધિકારીને જ કચેરીના કમ્પાઉન્ડમાં રોકીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. સામાન્ય નાગરિક સાથે આવી ઘટના બને તો પણ ગંભીર બાબત ગણાય, પરંતુ કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા સરકારી અધિકારીને તેમની ફરજના સંદર્ભમાં જ આવી ધમકી મળવી એ ચિંતાજનક બાબત છે. ફરિયાદ મુજબ, મોરબી જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી અને જીલ્લા ખાણ-ખનીજ અધિકારી તરીકે ફરજ બજાવતા જગદીશકુમાર સેમાભાઈ વાઢેરને ગઈકાલ તા.૨૬/૧૦/૨૦૨૬ના રોજ સાદુળકા ગામ પાસે મચ્છુ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન થતું હોવાની બાતમી મળી હતી. તેના આધારે તેમણે માઇન્સ સુપરવાઇઝર વિપુલભાઈ કંદોઈ અને તેમની ટીમને સ્થળ પર દરોડો પાડવા સૂચના આપી હતી.

ત્યારે ખાણ ખનીજ વિભાગ ટીમે સ્થળ પર તપાસ કરતાં બે ખાલી ટ્રક, એક લોડર અને એક એક્સકેવેટર મશીન દ્વારા ગેરકાયદે રેતી ખનનની કામગીરી ચાલુ હતી. ત્યારે ટીમને જોઈ ખનન સાથે સંકળાયેલા લોકો ભાગી ગયા હતા. ત્યારબાદ વાહનો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન બે ફોરવ્હીલર ગાડીઓમાં આવેલા ત્રણ શખ્સોએ માઇન્સ સુપરવાઇઝર અને ટીમ સાથે માથાકૂટ કરી, ગાળો આપી તથા જપ્ત કરાયેલાં વાહનો બળજબરીથી લઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જીલ્લા ખાણ-ખનીજ અધિકારીએ સ્થળની મુલાકાત લઈ તમામ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી હતી.

જે બાદ સાંજે આશરે ૭:૨૦ વાગ્યે ફરિયાદી જગદીશકુમાર વાઢેર તેમના ડ્રાઇવર સાથે સરકારી બોલેરો ગાડીમાં જીલ્લા મેજિસ્ટ્રેટની કચેરીના કમ્પાઉન્ડમાંથી નીકળી રહ્યા હતા. ત્યારે ત્યાં ઊભેલી સફેદ રંગની ફોર્ચ્યુનર કાર પાસેના એક શખ્સે હાથનો ઇશારો કરીને તેમની સરકારી ગાડી રોકાવી હતી. ત્યારબાદ તેણે અધિકારીનું નામ પૂછીને સાદુળકા પાસે વાહનો કેમ પકડ્યાં અને પોતાના દીકરા તથા ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ કરાવી તેવો સવાલ કરી આ શખ્સે જાહેરમાં બિભત્સ ગાળો આપી અધિકારીને ધમકાવ્યા હતા. અને તેણે પોતાનું નામ બલભદ્રસિંહ ઉર્ફે બબભા જીવુભા ઝાલા હોવાનું જણાવી, રોડ પર આવશો તો ગાડી ચડાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી પોતાની ફોર્ચ્યુનર કાર લઈને ત્યાંથી નીકળી ગયો હતો. બનાવ અંગે જગદીશકુમાર વાઢેરે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બલભદ્રસિંહ ઉર્ફે બબભા જીવુભા ઝાલા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૧, ૨૯૬(ખ) અને ૩૫૧(૨) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!