મચ્છીમારી કરતા પરિવારની બાળકીની શોધખોળ છતાં પત્તો ન લાગતા પિતાએ ફરિયાદ નોંધાવી
માળીયા(મી)ના નવલખી બંદર નજીક જુમાવાડી વિસ્તારમાં રહેતા મચ્છીમાર પરિવારની એક વર્ષની બાળકી ગુમ થઈ છે. પરિવારજનોની શોધખોળ છતાં બાળકીનો પત્તો ન લાગતાં અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
માળીયા(મી) તાલુકાના નવલખી બંદર નજીક જુમાવાડી વિસ્તારમાં રહેતા અકબરભાઈ હારૂનભાઇ સાઇચાની એક વર્ષ પાંચ મહિનાની પુત્રી આલિયાબાનુ ગત તા. ૨૯/૧૦/૨૦૨૬ના રોજ બપોરે ગુમ થઈ હતી. જેમાં બપોરે પરિવાર જમીને આરામ કરતો હતો. ત્યારે બાળકી તેના દાદા-દાદી સાથે ઘરના ફળિયામાં સૂતી હતી. જે બાદ બપોરે ચાર વાગ્યાની આસપાસ પરિવારજનો જાગ્યા ત્યારે બાળકી જોવા મળી નહોતી.
પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં તેમજ નજીકની દરિયાઈ ખાડીમાં હોડી મારફતે શોધખોળ કરી હતી, પરંતુ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે પિતા અકબરભાઈએ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સાથે બાળકીની ઓળખ માટે બાળકીનું નામ આલિયાબાનુ ઉંમર એક વર્ષ પાંચ મહિના, જમણા હાથના કાંડા પાસે લાખનું નિશાન, ગુમ થઈ ત્યારે સફેદ રંગનું ડિઝાઇનવાળું ફ્રોક પહેરેલું હતું. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨) મુજબ અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી બાળકીની શોધખોળ સહિતની તપાસ શરૂ કરી છે.






