મોરબી શહેરના જુના બસ સ્ટેશન સામે આવેલી ચાની દુકાને ગઇકાલે રાત્રિના સુમારે સામાન્ય બોલાચાલીની બાબતમાં લોહિયાળ જંગ ખેલાયો હતો. ચા પીવા જવા બાબતે શરૂ થયેલ તકરાર ઉગ્ર બનતા આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ધારીયા, છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે મોરબી સીટી ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સાત શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની વિગત મુજબ ફરિયાદી અકરમભાઇ કાદરભાઈ મોવર ગઇકાલે રાત્રિના અંદાજે ૧૧:૦૦ વાગ્યાના અરસામાં તેમના મિત્ર સાઉદીન સાથે એક્ટિવા લઈને જુના બસ સ્ટેશન સામે ચા પીવા ગયા હતા. તે દરમિયાન ત્યાં હાજર રહેલા મહેબુબ કાસમભાઇ સાથે બાઇક ના કાવુ મારવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો.ત્યારબાદ આરોપી મહેબૂબ કાસમભાઈએ અન્ય શખ્સોને બોલાવતા હારુન ખમીસા, એજલો ઉર્ફે એજાજ, કાસમ બસીર, ગઢવી, અજીત સુલેમાન અને મહમદ કાસમ સહિતના શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા.
આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીઓએ આડેધડ હુમલો કર્યો હતો જેમાં આરોપી હારુન ખમીસાએ ફરિયાદી અકરમભાઇના માથાના કપાળના ભાગે લોખંડના ધારીયાનો ઘા ઝીંકી દીધો હતો,આરોપી મહેબુબ કાસમે છરી વડે ફરિયાદીના નાના ભાઈ એજાજને જમણા પડખામાં ગંભીર ઘા માર્યો હતો.તેમજ ગઢવી નામના ઈસમે છરીનો ઘા મારી ફરિયાદીના મિત્ર સાઉદીનને ઈજા પહોંચાડી હતી.મહમદ કાસમે લોખંડના પાઈપ વડે ફરિયાદીના કાકા રફીક મોવરના જમણા હાથના કાંડા પર ઘા મારી ફેક્ચર કર્યું હતું.
ઘટના બાદ ઇજાગ્રસ્ત તમામ લોકોને તુરંત જ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એજાજને છરીનો ઊંડો ઘા લાગ્યો હોવાથી વધુ સારવાર અર્થ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે મહેબુબ કાસમભાઇ, હારુન ખમીસા, એજલો ઉર્ફે એજાજ, કાસમ બસીર, ગઢવી, અજીત સુલેમાન અને મહમદ કાસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૭(૨), ૧૧૮(૨), ૩૫૨, ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.






