લાઈટ-પંખા બંધ કરવા બાબતે બોલાચાલી બાદ લોખંડના પંચિંગથી માથામાં ઘા મારતા ઈજાગ્રસ્તને ટાંકા લેવા પડ્યા.
હળવદમાં સૌરાષ્ટ્ર શાખા નહેર પેટા વિભાગની ઓફિસમાં લાઈટ અને પંખા બંધ કરવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં એક અધિક મદદનીશ ઈજનેર પર બીજા સહકર્મી અધિક મદદનીશ ઈજનેર દ્વારા હુમલો કરતાં તેમને માથામાં ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી દેવાભાઈ ચનાભાઈ કોડીયાતર ઉવ.૨૮ રહે. હાલ હળવદ ડી.વી.પરખાણી સ્કુલ પાસે અફઝલભાઈ કલાડીયાના મકાનમા તા-હળવદ મુળરહે-જામવાડી ગામ તા.જામજોધપુર જી.જામનગર વાળા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ હેઠળ સૌરાષ્ટ્ર શાખા નહેર પેટા વિભાગ નં. ૬/૧-એ, હળવદ ખાતે અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. જેઓ ગઈકાલ તા. ૩૦/૧૦ના રોજ ઓફિસમાં કામ કરતા હતા ત્યારે આરોપી અધિક મદદનીશ ઈજનેર અવિનાશ અશ્વિનભાઈ ગામીત રહે.હળવદ વાળાએ અગાઉના દિવસે લાઈટ-પંખા બંધ કરવા બાબતે ફરિયાદી દેવાભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. આ દરમિયાન લોખંડના મોટા પંચિંગથી માથાના ભાગે એક ઘા મારતાં ઈજા થઈ હતી. જેથી ઈજાગ્રસ્ત દેવાભાઈને હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં માથામાં ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જીપી એક્ટની કલમ હેઠળ આરોપી અવિનાશ અશ્વિનભાઈ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






