૩.૫૦ લાખ વ્યાજે લીધા બાદ વારંવાર ઉઘરાણી અને કાર પડાવી લીધી, મૃતકની પત્નીએ બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી.
મોરબી-૨: ભાગીદારીમાં કરેલ ધંધામાં નુકસાન થતાં યુવકે લીધેલા રૂ.૩.૫૦ લાખના વ્યાજના નાણાંની ઉઘરાણીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાના બનાવે ચકચાર મચાવ્યો છે. ત્યારે આ ચકચારી બનાવ અંગે મૃતકના પત્નીએ બે વ્યાજખોર સામે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અમૃતસિંહ દાનુભા જાડેજા ભાગીદારીમાં ચા-નાસ્તાનો ધંધો કરતા હતા. ત્યારે ધંધો બરાબર ન ચાલતા તેમણે આરોપી મયુરભાઈ ડોડીયા રહે. ચરાડવા તા.હળવદ વાળાના કહેવાથી આરોપી યુવરાજભાઈ ઉર્ફે લાલાભાઈ રહે. કોંઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળા પાસેથી રૂ.૩.૫૦ લાખ વ્યાજે લીધા હતા. જે બાદ મૃતક વ્યાજની રકમ ચૂકવતા હોવા છતાં છેલ્લા બે મહિનાથી તેમની બલેનો કાર રજી.નં. જીજે-૩૬-એઆર-૮૦૦૦ ઉપરોક્ત બન્ને શખ્સોએ પોતાની પાસે રાખી લીધી હતી. દરમિયાન કાર પરત માંગતા આરોપીઓ દ્વારા લીધેલા નાણાં અને વ્યાજની વારંવાર ઉઘરાણી કરી ફોન પર હેરાન-પરેશાન કરવામાં આવતા હતા. આ માનસિક ત્રાસથી કંટાળી અમૃતસિંહે ગત તા.૨૮ ઓગસ્ટે પોતાના ઘરે પંખા સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
આ મામલે મૃતકની પત્ની ઇલાબાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મયુરભાઈ ડોડીયા અને યુવરાજભાઈ ઉર્ફે લાલાભાઈ તથા તપાસમાં ખુલ્લે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા નાણા ધીરધાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.






