રૂ.૫.૯૧ લાખની બનાવટી એફડીઆર સરકારી કચેરીમાં રજૂ કરાઈ હોવાનું બેંકની ખરાઈમાં બહાર આવ્યું: કોન્ટ્રાક્ટ પેઢીના માલિક સામે ફરિયાદ.
મોરબી વન વિભાગના ઈ-ટેન્ડરમાં સિક્યુરિટી ડિપોઝિટ પેટે રજૂ કરાયેલી રૂ.૫.૯૧ લાખની એસબીઆઈ તાલાળા શાખાની એફડીઆર બેંક દ્વારા ઈસ્યુ કરવામાં આવી ન હોવાનું બહાર આવ્યું છે. બનાવટી એફડીઆર સરકારી કચેરીમાં સાચી તરીકે રજૂ કરવાના મામલે કોન્ટ્રાક્ટ પેઢીના પ્રોપરાઈટર સામે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં રાજકોટ રેન્જ હેઠળના આણંદપર બાંધી વિડી વિસ્તારમાં બાઉન્ડ્રી વોલના રૂ.૩૨.૮૬ લાખના કામ માટે ઈ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડર શ્રી બલરામદેવ કન્સ્ટ્રક્શનના પ્રોપરાઈટર ગોવિંદભાઈ નારણભાઈ બારડ રહે. ઉમરેઠી ગીર તા.તાલાળા જી. ગીર સોમનાથ વાળાને મળ્યું હતું. ટેન્ડરની શરતો મુજબ સિક્યુરિટી ડિપોઝિટ પેટે રૂ.,૩૨,૮૬૨/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ તથા રૂ.૫,૯૧,૫૧૭/-ની એફડીઆર રજૂ કરવામાં આવી હતી. બાદમાં કોન્ટ્રાક્ટરે કામ શરૂ ન કરતાં વારંવાર સૂચનાઓ આપવા છતાં કામગીરી હાથ ધરવામાં આવી નહોતી, જેથી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ મોરબી વન વિભાગે સિક્યુરિટી પેટે રજૂ કરાયેલ રૂ.૫.૮૧ લાખની એસબીઆઈ તાલાળા શાખાની એફડીઆરની બેંક પાસે ખરાઈ કરાવી હતી. જે માટે તા. ૨૯ જુલાઈ ૨૦૨૬ના રોજ બેંકે ઈ-મેઈલ મારફતે સ્પષ્ટ કર્યું હતું કે દર્શાવેલ એકાઉન્ટ નંબરની એફડીઆર તેની શાખા દ્વારા ઈસ્યુ કરવામાં આવી નથી અને આ અંગે બેંકમાં કોઈ અરજી પણ કરવામાં આવી નહોતી. આ રીતે એફડીઆર બોગસ હોવાનું બેંકની ખરાઈમાં બહાર આવતાં મોરબી નાયબ વન સંરક્ષક શ્રી મોરબી વન વિભાગની કચેરીના મુખ્ય કારકુન કરશનભાઇ ગોવાભાઈ ચાવડાની ફરિયાદને આધારે આરોપી કોન્ટ્રાક્ટર ગોવિંદભાઈ બારડ સામે મોરબી બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) અને ૩૧૬(૫) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






