મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ અને તેના મિત્ર પર થયેલા જીવલેણ હુમલા કેસમાં મુખ્ય આરોપી અજય લોરિયાની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવતા કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, સિરામિક ઉદ્યોગપતિ શેખરભાઈ આદ્રોજાએ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અજય લોરિયાને હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા અને તે રકમ પરત માંગતા વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ આરોપીએ શેખરભાઈને શનાળા રોડ પર ભારત ટ્રાન્સપોર્ટ પાસે બોલાવી, જ્યાં તેણે લોખંડની ખીલીવાળો ધોકો લઈને શેખરભાઈ અને તેમના મિત્ર જયેશભાઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં જયેશભાઈને માથામાં ગંભીર ઈજા સાથે 12થી વધુ ટાંકા આવ્યા હતા, જ્યારે શેખરભાઈને હાથમાં ફ્રેક્ચર સહિત ઈજાઓ થઈ હતી. બનાવ અંગે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી. સાથે જ તેની મર્સિડીઝ કાર, હુમલામાં ઉપયોગ થયેલો ધોકો, કપડાં અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાદમાં અજય લોરિયાને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અજય લોરિયા દ્વારા નિયમિત જામીન માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મોરબીના એડીશનલ સેશન જજ એમ.આર. નાદપરાએ જામીન અરજી નામંજૂર કરી છે.









