ટંકારામાં ખેડૂતોના વિસ્તાર એવા ગાયત્રીનગરમા તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. એકી સાથે ૧૨ ટ્રેકટરમાંથી બેટરીની ચોરીને અંજામ આપી ચોરોએ પોલીસના પેટ્રોલીંગ પર સવાલ ઉભો કર્યો છે. હજી ધર ફોડ ચોરીની શાહી સુકાઈ નથી ત્યાં ચોરીનો નવો બનાવ બન્યો છે. ખેડુતોએ ખેતરે જવા સેલ્ફ માર્યો અને બેટરી ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
ટંકારાના મુખ્ય વિસ્તારમાના અને જયા સૌથી વધુ ખેતી સાથે સંકળાયેલા ખેડુતો રહે છે એ શહેરના ઉગમણી બાજુ અમરાપર ટોળ રોડ પર આવેલ ગાયત્રીનગર સોસાયટીમા ગત રાત્રે તસ્કરો પોલીસને પડકાર ફેંક્યો હોય એમ ૧૨ જેટલા ટ્રેકટરોમાથી બેટરીની ચોરી કરી અંધારામાં ઓગળી ગયા હતા બનાવની જાણ સવારે ખેડુતોએ ખેતરે જવા સેલ્ફ માર્યો ત્યારે થઈ હતી અને જોત જોતામાં એક પછી એક ખેડૂતે આ રીતે ચોરી થઈ હોવાની વાત પાનના ગલ્લે કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બાદમાં ટંકારા પોલીસનો સંપર્ક કરી ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે તસ્કરોએ જાણે ટંકારા માં તંબુ તાણ્યા હોય તેમ છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.