મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રીની કડક સૂચના; મોરબીને ટૂરિઝમ હબ બનાવવા અને ‘નમો વન’ ના વિકાસ અંગે કરાઈ ચર્ચા
મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકપ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ સાથે પુરવઠા સલાહકાર સમિતિ અને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક પણ યોજાઈ હતી.
આ બેઠકમાં મોરબી-રાજકોટ માર્ગની બિસ્માર હાલત અંગે રજૂઆત બાબતે રાજ્યમંત્રીએ પ્રજાહિતમાં કડક સૂચનાઓ આપીને કામગીરી તાત્કાલિક હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત સરકારી જમીન તથા સરકારી કર્મચારીઓને ક્વાર્ટરની ઓનલાઈન ફાળવણી, મોરબીને ‘ટૂરિઝમ હબ’ તરીકે વિકસાવવા અને ‘નમો વન’ ના નિર્માણ સહિતના પ્રજાલક્ષી મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, સાસંદ કેસરીદેવસિંહ ઝાલા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર,નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ વન સંરક્ષક(સામાજિક વનીકરણ ) યુવરાસિંહ ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદા, ચીફ ઓફિસરઓ સહિત જિલ્લાના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






