ત્રણ મહિલા સહિત આઠ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ.
મોરબીના ઘુટુ ગામે રામકો વિલેજ સોસાયટીમાં શેરીમાં પાણી કાઢવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં સોડાની દુકાન ધરાવતા વેપારી પર પાડોશીઓએ હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, હિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડ ઉવ.૩૬ રહે.રામકો વિલેજ સોસાયટી ઘુટુ રોડ મોરબી મૂળ ગામ ખાખરેચી તા.માળીયા(મી) વાળા ગઈકાલ તા.૩૦/૧૦ના રોજ મોટરસાઈકલ લઈને જતા હતા ત્યારે પાડોશી દિલુભાઈ પઢીયારે શેરીમાં પાણી કાઢવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી હતી. ત્યારબાદ દિલુભાઈના પુત્રો શક્તિ અને મેહુલ સહિત પરિવારની ત્રણ મહિલાઓ તથા વિપુલ ભીખાભાઈ પઢીયાર અને એક અજાણ્યો શખ્સ ત્યાં આવી ઝપાઝપી કરી હતી. જેમાં આરોપી મેહુલે લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને દિલુભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં દિલુભાઈ પઢીયાર, શક્તિ પઢીયાર, મેહુલ પઢીયાર, ત્રણ મહિલાઓ, વિપુલ પઢીયાર અને એક અજાણ્યા શખ્સ સહિત આઠ સામે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






