વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામના જાંપા નજીક કુટુંબી દીકરીને ભગાડીને લઈ જવાનો ખાર રાખી બે પરિવારો વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હોય જેમાં ગત બુધવારે રાત્રે ત્રણ શખ્સોએ યુવાનને ધોકાવી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વિઠ્ઠલપર ગામેં રહેતા પ્રવિણભાઇ મનજીભાઇ સારલાની કુટુંબી દીકરીને આરોપી કિશન ઉર્ફે ભુરાના ભાઇ વિપુલ મેરૂભાઇ ભગાડીને લઇ ગયો હતો જે બાબતે આ બન્ને પરિવાર વચ્ચે અવાર નવાર નાની મોટી બોલાચાલી થતી હતી. ત્યાર બાદ ગત તા. 29ની રાત્રે મથાકૂટનું મનદુઃખ રાખી આરોપી કિશન ઉર્ફે ભુરો મેરૂભાઇ વિંજવાડીયા, રણજીત ભુપતભાઇ વિંજવાડીયા, ગણેશ રાયમલભાએ એક સંપ કરી પ્રવિણભાઇ મનજીભાઇ સારલા નામના 28 વર્ષીય યુવાન સાથે ગાળો બોલી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વડે ધોકાવી ઇજા કરી હતી. આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પ્રવિણભાઇ સારલાએ વાંકાનેર તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ક.૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.