અમદાવાદના શખ્સે જૂની બસના બદલામાં ચાલુ હાલતની સ્કૂલ બસ આપવાનું કહી એડવાન્સ પેટે રૂ.૪ લાખ આરટીજીએસથી મેળવ્યા: બસ પણ ન આપી અને પૈસા પણ પરત ન કર્યા.
મોરબીની તપોવન સ્કૂલના ટ્રસ્ટી સાથે સ્કૂલ બસની ખરીદ-વેચાણના બહાને રૂ.૪ લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદના શખ્સે એડવાન્સ રૂપિયા લઈ બાદમાં જૂની બસ લેવા ન આવ્યા કે ચાલુ બસ આપવા પણ ન આવ્યા. ઉલ્લેખનીય છે કે રૂપિયા પરત કરવા ચેક આપેલ તે પણ બાઉન્સ થયો. હાલ આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસ કલમ ૩૧૮(૪) મુજબ ગુનો નોંધાયો છે.
મોરબીના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલ સામે કલ્પ બિંદુમાં રહેતા અને કન્યા છાત્રાલય રોડ પર આવેલી તપોવન સ્કૂલના ટ્રસ્ટી ભાવેશભાઈ દેવજીભાઈ ભાલોડીયા ઉવ.૪૨એ અમદાવાદ શહેરના સફીમહમદ શેખ નામના શખ્સ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તપોવન સ્કૂલ માટે બસની જરૂરિયાત હોવાથી ઉપરોક્ત સફીમહમદ શેખ સાથે બસની લે-વેચ અંગે વાતચીત કરી હતી. જેમાં પોતાની સ્કૂલની જૂની બસના રૂ.૫ લાખ અને સામેવાળાની ચાલુ હાલતની બસના રૂ.૯ લાખમાં એમ સોદો નક્કી થયો હતો. સોદા મુજબ વધારાના રૂ.૪ લાખ એડવાન્સ પેટે તા.૧૪/૦૫/૨૦૨૬ના રોજ તપોવન સ્કૂલના ટ્રસ્ટ સદવિચાર એજ્યુકેશન ટ્રસ્ટના બેંક ખાતામાંથી આરોપીના આઇસીઆઇસીઆઇ બેંક ખાતામાં આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સાત દિવસમાં નવી બસ પહોંચાડવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ બસ આપવામાં આવી નહોતી.
વારંવાર ઉઘરાણી કરવા છતાં બસ નહીં મળતાં ટ્રસ્ટ દ્વારા નાણાં પરત માગવામાં આવ્યા હતા. જેથી આરોપીએ રૂ.૪ લાખનો ચેક મોકલ્યો હતો, જે બેંકમાં જમા કરાવતાં બાઉન્સ થયો હતો. આમ, બસ પણ નહીં આપી અને નાણાં પણ પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ અંગે ફરિયાદી ભાવેશભાઈએ સાયબર હેલ્પલાઇન ૧૯૩૦માં પણ તા.૩૦/૧૦/૨૦૨૬ના રોજ ફરિયાદ કરી હતી. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સફીમહમદ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






