ટંકારામાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા પી. એન. ગોરના ભુજ સ્થિત બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. આ બનાવ અંગે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ભુજની જુની રાવલવાડી વિસ્તારમાં આવેલી આશાપુરા સોસાયટીમાં પી. એન. ગોરનું મકાન આવેલું છે. ગત તારીખ 28 જૂનથી 14 ઓગસ્ટ દરમિયાન તસ્કરોએ બંધ મકાનના દરવાજાના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો.ચોરો ઘરમાંથી સોનાનો સેટ, ચાંદીના 7 કંદોરા, 7 જુડા, ગાયની મૂર્તિ, તુલસી ક્યારો, ગણપતિની મૂર્તિ સહિત કુલ 1,200 ગ્રામ (1.2 કિલો) ચાંદીના ઘરેણાં અને પૂજાનો સામાન તથા રોકડા ₹25,000 મળીને એકંદર ₹2.53 લાખની મત્તા ચોરી ગયા હતા.
આ ચોરીની જાણ ત્યારે થઈ જ્યારે પાડોશી આંગણામાં આવેલા લીંબુના ઝાડમાંથી લીંબુ તોડવા માટે મકાન પાસે ગયા હતા. આ સમયે મકાનના દરવાજા ખુલ્લા અને અંદર તોડફોડ થયેલી જોઈ પાડોશીએ તસ્કરી થઈ હોવાની જાણ કરી હતી.આ બનાવ અંગે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે રાબેતા મુજબ ગુનાનો ભેદ ઉકેલવા અને ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.






