વાઘપરા શેરી નં. ૧૭માં બનેલી ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાઈ.
મોરબીમાં મહિલા એડવોકેટની સ્વીફ્ટ કાર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપવામાં આવ્યાની ઘટના સામે આવી છે. કારનો મોટાભાગનો ભાગ બળીને ખાખ થઈ જતાં આશરે રૂ. ૩.૫૦ લાખનું નુકસાન થયું છે. સીસીટીવી ફૂટેજમાં પાડોશી યુવક આગ લગાડતો દેખાતો હોવાના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલ મોડીરાત્રે મોરબીના રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં પાર્ક કરેલ બ્રેઝા કારને કોઈ અજાણ્યા બે શખ્સો દ્વારા જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપવાની ઘટના બાદ વધુ એક કાર સળગાવવાનો બનાવ સામે આવતાં શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના વાઘપરા શેરી નં. ૧૭માં મહિલા એડવોકેટની કારને આગ ચાંપવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં રવાપર રોડ વસંત પ્લોટ વિસ્તારમાં રહેતાં અને મોરબી કોર્ટમાં વકીલાત કરતાં પુષ્પાબેન કૌશિકભાઈ ભટ્ટની મારુતિ સ્વીફ્ટ કારને નિશાન બનાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, ગઈકાલ તા.૨૮ ઓક્ટોબરના રોજ બપોરે પુષ્પાબેને પોતાની કાર રજી.નં. જીજે-૩૬-એએફ-૮૪૦૧ વાઘપરા શેરી નં.૧૭માં વકીલ મહીધરભાઈ દવેના ઘરની દીવાલ પાસે પાર્ક કરી હતી. ત્યારે સાંજે આશરે પાંચ વાગ્યાના અરસામાં કારમાં આગ લાગી હોવાની જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યાં હતાં. જ્યાં સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગને કારણે કારનો આગળનો ભાગ તેમજ અંદરનો ભાગ સંપૂર્ણપણે બળી ગયો હતો. ત્યારબાદ કારમાં આગ કેવી રીતે લાગી તે જાણવા માટે નજીકના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. જેમાં ફરિયાદી મહિલાના પાડોશમાં રહેતા શિખર જયેશભાઈ ગોહેલ રહે. વસંત પ્લોટ શેરી નં.૩ મોરબી વાળાએ કાર પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી હોવાનું સ્પષ્ટ થયું હતું. હાલ આ આગ લગાડવાના બનાવમાં આશરે રૂ.૩.૫૦ લાખનું નુકસાન થયું હોવાની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૬(એફ) અને ૩૨૪(૪) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






