ખરાબ પટ્ટાથી લોખંડનું પ્લેટફોર્મ ચડાવતાં અકસ્માત સર્જાયો, ત્રણ અન્ય શ્રમિકોને પણ ગંભીર ઇજા.
મોરબી નજીક ટીંબડી રોડ નજીક એ.જે. માઇક્રોન કારખાનામાં બે ક્રેઇન મારફત સાયલો ઉપર લોખંડનું ભારે પ્લેટફોર્મ ચડાવતી વખતે પટ્ટો તૂટી જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક શ્રમિકનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ અન્ય શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે મૃતકના ભાઈની ફરિયાદને આધારે પોલીસે સાઈ ક્રેઇન સર્વિસના બે ક્રેઇન ઓપરેટર સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા વિસ્તારમાં કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ એ & જે માઇક્રોન્સ નામના કારખાનામા ગત તા. ૩૧ મેના રોજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારખાનામાં સાયલો ઉપર લોખંડનું ભારે પ્લેટફોર્મ ચડાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અકસ્માત બન્યો હતો. જે બનાવ અંગે વિવેકભાઇ વિજયભાઇ રાજભર ઉવ.૨૦ રહે.હાલ ત્રાજપર ચોકડી ડાયમંડ કારખાનાના લેબર ક્વાર્ટરમા મુળ ગામ મઝોવા જી-ગાંજીપુર ઉત્તરપ્રદેશ વાળાએ આરોપી સાઇ ક્રેઇન સર્વિસના બે હાઇડ્રો ક્રેઇન ઓપરેટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ઉપરોક્ત બન્ને ઓપરેટરોએ લોખંડના વજનદાર પ્લેટફોર્મને પટ્ટા વડે બાંધી ક્રેઇનથી ઊંચક્યું હતું. જોકે બેદરકારીપૂર્વક નબળા અને ખરાબ પટ્ટાનો ઉપયોગ કરાતા એક પટ્ટો તૂટી ગયો હતો, જેના કારણે ભારે લોખંડનું પ્લેટફોર્મ નીચે પટકાયું હતું.
અકસ્માતમાં ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલ મોરબી ખાતે રહેતા ફરિયાદીના ભાઈ સંતોષભાઈ વિજયભાઈ રાજભર ગંભીર રીતે દબાઈ જતા તેમનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ભીમ મહંતો, ઉપેન્દ્ર મહંતો અને અસલમ હનીફભાઈને પણ માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






