Tuesday, June 2, 2026
HomeGujarat"શાંત અને સલામત સુરત શહેર" અભિયાનમાં પોલીસનો મેગા કોમ્બિંગ ઓપરેશન : NDPSના...

“શાંત અને સલામત સુરત શહેર” અભિયાનમાં પોલીસનો મેગા કોમ્બિંગ ઓપરેશન : NDPSના 34 અને જુગારના 54 કેસ નોંધાયા

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ દ્વારા “શાંત અને સલામત સુરત શહેર” અભિયાન અંતર્ગત વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 14 મેથી 31 મે દરમિયાન ચાલેલા આ અભિયાનમાં હજારો વાહનો, શંકાસ્પદ ઇસમો, હિસ્ટ્રીશીટરો, તડીપાર આરોપીઓ અને ભાડુઆતોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન દારૂબંધી, જુગાર, નશીલા પદાર્થો અને ટ્રાફિક નિયમોના ભંગ સામે પણ વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા અને બલરામ મીણાની દેખરેખમાં શહેરના તમામ ઝોન, ડિવિઝન અને પોલીસ સ્ટેશનોની ટીમોએ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તેમજ નાગરિકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુસર અસામાજિક તત્વો સામે “શાંત અને સલામત સુરત શહેર” ઝુંબેશ ચલાવવામાં આવી હતી. અભિયાન દરમિયાન પોલીસે કુલ 48,134 વાહનોની તપાસ કરી હતી. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી રૂ.4.22 લાખથી વધુનો સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત એમ.વી. એક્ટની કલમ-207 હેઠળ 351 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે દારૂ અથવા કેફી પીણાંના નશામાં વાહન ચલાવતા 142 વાહનચાલકો સામે એમ.વી. એક્ટની કલમ-185 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. દારૂબંધીના અમલ માટે હાથ ધરાયેલી કામગીરીમાં 1,278 ઇસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધાયા હતા. ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરીમાં સંડોવાયેલા 522 ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે દારૂબંધીના વારંવાર ગુના કરતા 289 ઇસમો સામે પ્રોહિબિશન એક્ટની કલમ-93 મુજબ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. ગુનાખોરી પર અંકુશ મેળવવા પોલીસે BNSSની વિવિધ જોગવાઈઓ હેઠળ પણ કાર્યવાહી કરી હતી. જેમાં 2,776 ઇસમો સામે કલમ-126 મુજબ, 555 શંકાસ્પદ વ્યક્તિઓ સામે કલમ-128 મુજબ અને 769 રીઢા ગુનેગારો સામે કલમ-129 મુજબ સારા વર્તન માટેના બોન્ડ ભરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેરનામાનો ભંગ કરનાર 316 ઇસમો સામે BNS કલમ-223 હેઠળ કેસ નોંધાયા હતા. જ્યારે જાહેર માર્ગો પર અવરોધરૂપ વાહનો પાર્ક કરનાર 179 ઇસમો સામે BNS કલમ-285 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત જાહેર સ્થળોએ છરી, તલવાર અને અન્ય ઘાતક હથિયારો સાથે ફરતા 986 ઇસમો સામે જી.પી. એક્ટની કલમ-135 મુજબ કેસ નોંધાયા હતા. તેમજ તડીપારના આદેશનો ભંગ કરીને શહેરમાં પ્રવેશ કરનાર 71 ઇસમો સામે જી.પી. એક્ટની કલમ-142 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન અંતર્ગત NDPS એક્ટ હેઠળ 34 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત જુગાર રમતા અને જુગારધામ ચલાવતા ઇસમો સામે 54 કેસ નોંધવામાં આવ્યા હતા. કોમ્બિંગ ઓપરેશન દરમિયાન પોલીસે 880 ભાડુઆતો, 1,015 સક્રિય ગુનેગારો, 3,186 એમસીઆર ધરાવતા ઇસમો, 1,403 હિસ્ટ્રીશીટરો, 489 તડીપાર કરાયેલા ઇસમો અને 951 ટપોરી તત્વોની ચકાસણી કરી હતી. સુરત શહેર પોલીસે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. “શાંત અને સલામત સુરત શહેર” અભિયાન હેઠળ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત સક્રિય રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!